જોઈ લીધી ખુશી, વ્યથા વેઠી

જોઈ લીધી ખુશી, વ્યથા વેઠી
તોય ક્યાં જિંદગીની ગડ બેઠી

ભોંય ભેગો ભલે થયો છું હું
હજી હિમ્મત નથી પડી હેઠી

સૌનાં જીવનનાં પ્રશ્નપત્ર અલગ
એમાં ચાલે નહીં નકલ બેઠી

મન છલોછલ છે એની યાદોથી
એમાં ગમગીની કઈ રીતે પેઠી?

હું જ્યાં બે પાંદડે થયો ન થયો
ઋતુ બદલાઈ પાનખર બેઠી

– હેમંત પુણેકર

Posted in ગઝલ | Tagged | 1 ટીકા

ઉર્મિલાનો મોકળો સંસાર દેખાયઃ- સુધીર મુળીકની મરાઠી ગઝલનો અનુવાદ

सुधीर मुळीक पोतीको अवाज धरावता युवान मराठी गझलकार. आजे एमनो जन्मदिन पण छे तो भेटरूपे एमनी एक सुंदर गझलनो गुजराती अनुवाद पोस्ट करुं छुं. बधा ज शेर सरस छे पण उर्मिलाना संसारवाळो शेर मारा हृदयमां घर करी गयो छे.

शोधला तर त्यातही सुविचार दिसतो;                 शोधीए तो एमां पण सुविचार देखाय
ज्या दिव्याखाली तुला अंधार दिसतो!                 जे दीवा नीचे तने अंधार देखाय!

धावला नाहीस देवा संकटांना;                            दोडी आव्या नहि प्रभु संकटना टाणे
पण प्रसंगाला तुझा आधार दिसतो.                     पण प्रसंगे आपनो आधार देखाय

राम लक्ष्मण जानकीला पाहिले की                     राम लक्ष्मण जानकीने जोउं त्यारे
उर्मिलेचा मोकळा संसार दिसतो!                        उर्मिलानो मोकळो संसार देखाय!

काय बघ लाडात ग्रह फिरलेत माझे;                  लाडमां केवा फर्या छे मुज ग्रहो जो
लाजली म्हणजे तिचा होकार दिसतो.                लाजवामां एना जो एकरार देखाय

दृष्ट कवितेनेच काढावी तिची मी;                      काव्यथी एनी नजर ऊतारवा दे
खूप कष्टाने असा शृंगार दिसतो.                        बहु जवल्ले एनो आ शृंगार देखाय

चार भिंत्तीना भले मी घर म्हणालो;                  चार भींतोने भले हुं घर कहुं छुं
पण मला घरट्यातही परिवार दिसतो.               पण मने माळामां पण परिवार देखाय

– सुधीर मुळीक                                               –  गुजराती अनुवादः- हेमंत पुणेकर

Posted in અનુવાદ, ગઝલ | 2 ટિપ્પણીઓ

ખિન્ન ખેતર- અનંત ઢવળેની મરાઠી ગઝલનો અનુવાદ

अनंत ढवळे आजना सशक्त मराठी गझलकारोमांना एक. उर्दू गझलना रसिक अने अभ्यासी होवानी साथे साथे उर्दूमां पण गझल लखे छे. एमनो एक गझलसंग्रह “मूक अरण्यातली पानगळ” (मूक अरण्यमांनी पतझड) प्रगट थयेल छे. एमनी “खिन्न खेतर” एवा रदीफनी सुंदर गझलनो अनुवाद कर्यो छे.

पिके वाळलेली ,उभी खिन्न शेते                         सुकाई गयां मोल, ऊभां खिन्न खेतर
स्मशानाहुनी भासती खिन्न शेते                        स्मशानोथी पण भासतां खिन्न खेतर

कितीदातरी सांडले रक्त आम्ही                         घणीवार रेड्युं छे लोही अमे तोय
कितीदातरी वाळली खिन्न शेते                          घणीवार सूकां पड्यां खिन्न खेतर

कडूनिंब बांधावरी अश्रु ढाळे                             दुःखी लीमडो बांध पर अश्रु ढाळे
कशाने अशी जाहली खिन्न शेते                         कया कारणोथी थयां खिन्न खेतर

असे मुक्तता आत्महत्याच ज्याची                      हती मुक्तता आत्महत्या ज जेनी
धन्याची चिता पाहती खिन्न शेते                      धणीनी चिता देखतांं खिन्न खेतर

नवे हात आलेत राबावयाला                            नवा हाथ आव्या छे श्रम करवा त्यारे
पुन्हा जोगवा मागती खिन्न शेते                        फरी जोगवा* मागतां खिन्न खेतर

– अनंत ढवळे                                                    – गुजराती अनुवाद हेमंत पुणेकर

जोगवाः- देवीना नामे मागवामां आवती भिक्षा, देवीनो कृपाप्रसाद

Posted in અનુવાદ, ગઝલ | 6 ટિપ્પણીઓ

શિશિરની એટલી…

શિશિરની એટલી ઘેરી અસર પડી ગઈ છે
વસંત આવશે એ આશ પણ ખરી ગઈ છે

ભીતર બહારનો સૂનકાર તગતગે છે બસ!
પ્રતીક્ષા આંખનું આંસુ બની થીજી ગઈ છે

જે સાત સાગરો ખૂંદી વળી, ન અટકી એ નાવ
તટે પડીપડી રેતીમાં ઊલટી ગઈ છે

છે મારા શબ્દ અણીદાર, તર્ક બુઠ્ઠા છે
તમારી ચુપકી મને આટલું કહી ગઈ છે

 હું એને યાદ કરીને દુઃખી છું આજે પણ
સુખી થવા જે મને ક્યારની ભૂલી ગઈ છે

– હેમંત પુણેકર

| 8 ટિપ્પણીઓ

ક્યાં મને દુઃખનો બોજ મારે છે?

ક્યાં મને દુઃખનો બોજ મારે છે?
સુખની વણથંભી ખોજ મારે છે

સાવ ઝાંખા પડી ગયા છે બધા
કોણ ઝગઝગતું ઓજ* મારે છે?

સૂર્ય રોજે સવારે એકલે હાથ
આખી તારકની ફોજ મારે છે

એની હિંસાય સાવ અહિંસક છે
હો અનિવાર્ય તો જ મારે છે

શિવ ચળી જાય, જીવની શું વિસાત?
બાણ જ્યારે મનોજ** મારે છે

આંસુ એવી સિફતથી સંતાડે
સૌને એમ જ એ મોજ મારે છે

મોત શું મારશે મને હેમંત
જિંદગી રોજરોજ મારે છે

– હેમંત પુણેકર

છંદઃ- ગાલગા ગાલગાલ ગાગાગા/ગાલલગા

*ઓજઃ- ઓજસ – શારીરિક તેજસ્વિતા. શુક્રધાતુમાંથી તત્ત્વરૂપે બની કાંતિ ને પ્રભાવરૂપે વિરાજતી શરીરની ધાતુ
**મનોજઃ- કામદેવ
1) એક પૌરાણિક કથા અનુસાર શિવજીને પાર્વતી તરફ આકર્ષિત કરવા કામદેવે બાણ માર્યું. શિવજી એનાથી ચલિત થયા હતા. પોતે આકર્ષિત થઈ ગયા છે આ વાત પ્રત્યે સભાન થતા શિવજી આજુબાજુ જુએ છે અને કામદેવ એમની નજરે પડે છે. એમના ત્રીજા નેત્ર(જ્ઞાનચક્ષુ)ની અગ્નિથી એટલે કે જ્ઞાનાગ્નિથી કામદેવ બળીને ભસ્મ થઈ જાય છે.
2) ઋગ્વેદમાં સંસારરૂપી વૃક્ષ પર બેઠેલા બે પક્ષીઓનો સંદર્ભ છે જેમનું એક અર્થઘટન જીવ અને શિવ એમ પણ કરાય છે. જીવ સંસારરૂપી વૃક્ષનો ભોગ કરે છે અને શિવ માત્ર નિરિક્ષણ કરે છે.

Posted in ગઝલ | 10 ટિપ્પણીઓ

તમસનાં કોચલે પૂર્વે દરાર પડવાની

તમસનાં કોચલે પૂર્વે દરાર પડવાની
વિહગનાં બચ્ચાં શી કુમળી સવાર પડવાની

તું શું રડે છે કે સંચારબંધી લાગુ છે
તને ક્યાં હોંશ છે આમેય બહાર પડવાની

સંબંધ આપણો અકબંધ કહી શકાય ખરો?
સતત ફડક રહી જેમાં દરાર પડવાની

શિખર ત્યજી કદી આવી જુઓ તળેટીમાં
ફિકર નહી રહે તમને લગાર પડવાની!

છે આજકાલ આ ચર્ચા સીમાની પેલેપાર
જો એક મારશો સામેથી ચાર પડવાની!

– હેમંત પુણેકર

છંદઃ- લગાલ ગાલલગા ગાલગાલ ગાગાગા/ગાલલગા

Posted in ગઝલ | Tagged | 13 ટિપ્પણીઓ

ક્યારેક

ક્યારેક
વૉટ્સઍપ પર
સર્ચ કરું છું તો
તારી પ્રોફાઇલ મળી જાય છે

તને મોકલવા
કંઈક મેસેજ ટાઈપ પણ કરું છું
પણ
ડિલિટ કરી નાખું છું તરત

ક્યાંક એ મેસેજ જોઈને
તું મને અહિંયાય બ્લૉક ન કરી નાંખે
એફબીમાં મને અન-ફ્રેન્ડ કર્યો’તો ને, એમ જ

તારા નાના પ્રોફાઇલ ફોટો પર ક્લિક કરી
એને મોટો કરીને
નીરખી રહું છું થોડી વાર

ને પછી ફટાફટ
બૅક બટન બે ત્રણ વાર દબાવીને
નીકળી જઉં છું
વૉટ્સઍપની બહાર

બસ એ જ દિલાસાને જીવતો રાખવા
કે ભલે આપણે અહીં કનેક્ટેડ ન હોઈએ
ઍટલીસ્ટ,
ડિસ-કનેક્ટેડ નથી!

અને
એવુંય શક્ય છે ને
તું ખોલીને જોઈ લેતી હોય
મારી પ્રોફાઇલ
ક્યારેક!

-હેમંત પુણેકર

Posted in અછાંદસ | 6 ટિપ્પણીઓ