લલગાગા લલગાગા
આ વિશ્વના લયનું લલગાગા લલગાગા
સ્પંદન છે હૃદયનું લલગાગા લલગાગા
નક્ષત્ર, ગ્રહો, સૂર્ય, શશી – શબ્દ ગગનનાં
ને અસ્ત-ઉદયનું લલગાગા લલગાગા
ટકટકતો નથી એ હવે ઘડિયાળના કાંટે
ખળખળવું સમયનું લલગાગા લલગાગા
તૂટતો રહે, જોડાતો રહે દૃષ્ટિનો સેતુ
ભય મિશ્ર પ્રણયનું લલગાગા લલગાગા
આંખોમાં નિમંત્રણ અને શબ્દોમાં નિયંત્રણ
ઈચ્છાનું-વિનયનું લલગાગા લલગાગા
યાદોના ભરાવાનો આ કાગળ પર ઉતારો
સંચય અને વ્યયનું લલગાગા લલગાગા
શબ્દોથી બને પંક્તિ, તૂટે પંક્તિથી શબ્દો
સર્જન ને વિલયનું લલગાગા લલગાગા
મુજ મૌનનું ઐશ્વર્ય બન્યું શબ્દનો વૈભવ
સંધાન ઉભયનું લલગાગા લલગાગા
“હેમંત” રદિફ, કાફિયા રમતા રહે મનમાં
બાકીના વિષયનું લલગાગા લલગાગા
- હેમંત
14 comments June 7, 2009
ક્યાં કહું છું કે ફૂલછાબ આપો
ક્યાં કહું છું કે ફૂલછાબ આપો
ફૂલ એક આપો, પણ ગુલાબ આપો
Do not copy this
કાળી રાતોને જેમ ચંદ્ર મળે
બંધ આંખોને એનું ખ્વાબ આપો
give link to this page if needed
સ્વપ્ન આંખોએ કેટલાં જોયાં?
ચાલો, આંસુ ભીનો હિસાબ આપો
give link to this page if needed
આંખોઆંખોમાં પ્રશ્ન પૂછ્યો છે
હોઠથી હોઠને જવાબ આપો
Do not copy this
મેં તો મનમાં હતું એ પૂછી લીધું
આપોઆપો, હવે જવાબ આપો!
give link to this page if needed
એટલે તારા તોડી લાવ્યો નથી
કાલે કહેશો કે આફતાબ આપો
Do not copy this
એ પૂછે છે જીવન વિશે હેમંત
એને કોરી ખૂલી કિતાબ આપો
give link to this page if needed
- હેમંત
છંદવિધાનઃ ગાલગા ગાલગાલ ગાગાગા/ગાલલગા
17 comments April 16, 2009
તડકો પડ્યો છે
વાદળો વીખરાઈને તડકો પડ્યો છે
ચાલ રમવા આંગણે તડકો પડ્યો છે
Do not copy this
ઝાડ પર પડતાં જ એ તૂટ્યો તડાતડ
છાંયડે વેરાઈને તડકો પડ્યો છે
give link to this page if you want to site it
ચમકે છે એની ભીની કાળી ત્વચા પર
રોડ પર રેલાઈને તડકો પડ્યો છે
Do not copy this
એના તનનો સપ્તરંગી ભેદ ઊઘડ્યો
નભમાં નહાઈ-ધોઈને તડકો પડ્યો છે
give link to this page if you want to site it
પૂર્ણિમાની ચાંદની બીજું તો શું છે
ચાંદ પર આજે બધે તડકો પડ્યો છે
Do not copy this
- હેમંત
છંદવિધાનઃ ગાલગાગા ગાલગાગા ગાલગાગા
13 comments March 15, 2009
એમ થોડો લગાવ રાખે છે
એમ થોડો લગાવ રાખે છે
સ્વપ્નમાં આવજાવ રાખે છે
ક્યાં એ આપે છે છૂટ્ટો દોર કદી
હલકો હલકો તણાવ રાખે છે
ફૂલ શી જાત રક્ષવા માટે
કાંટા જેવો સ્વભાવ રાખે છે
એ તો દબડાવવા સમંદરને
ફક્ત કાગળની નાવ રાખે છે
ભૂલી ગઈ છે સુગંધી ઘટનાઓ
યાદ એક અણબનાવ રાખે છે
- હેમંત
છંદવિધાનઃ ગાલગા ગાલગાલ ગાગાગા/ગાલલગા
20 comments January 19, 2009
ઊપડતી જીભ અટકે છે…
ઊપડતી જીભ અટકે છે, હૃદય પર ભાર લાગે છે,
પ્રણયની વાત છે, કહેવામાં થોડી વાર લાગે છે
ઘણા વર્ષો થયાં, હું આ શહેરમાં હૂંફ શોધું છું
અહીં જેને મળુ છું, સાવ ઠંડોગાર લાગે છે
ફડક ડૂબી જવાની મનમાં પેસી જાય છે ત્યારે
તણખલું એક પણ દેખાય તો આધાર લાગે છે
ટકોરા મારવા દે, શક્ય છે એનું ઉઘડવું પણ
તું જેને ભીંત સમજ્યો છે, મને એ દ્વાર લાગે છે
સૂરજ સાથે મિલાવી આંખ એની આ અસર થઈ છે
બીજે ક્યાંયે નજર નાખું છું, બસ અંધાર લાગે છે
નયનમાં અશ્રુ આવે છે તો એ વાતે હસી લઉં છું
ચલો ક્યારેક તો આ આંખ પાણીદાર લાગે છે!
- હેમંત
27 comments September 20, 2008
સ્વયંની શોધ
જાણીશ કેમ જગને જો વિસ્મય નહીં કરે?
જાણીશ જાતને જો તું સંશય નહીં કરે
તું તારવી લે તર્કથી વૈફલ્ય તર્કનું
બુદ્ધિ પછી પ્રવાસમાં વ્યત્યય નહીં કરે
શ્રદ્ધાથી મળતા શબ્દને તું આચરણમાં મૂક
શબ્દો શું કામના જો તું પ્રત્યય નહીં કરે
જાતે જગાડ દૃષ્ટિમાં હેમંત દિવ્યતા
વર્ણન આ યુદ્ધનું કોઈ સંજય નહીં કરે
- હેમંત
છંદ-વિધાનઃ ગા ગાલગાલ ગાલલગા ગાલગાલ ગા
થોડાંક શબ્દાર્થઃ
પ્રત્યય – જાત-અનુભવ
વૈફલ્ય – વિફળતા, નિરર્થકતા
વ્યત્યય – રૂકાવટ
27 comments July 26, 2008
એક આત્મકથા
જ્યાં હું જન્મી ત્યાં મને ભઠ્ઠીમાં સેકવામાં આવી
જ્યાં સુધી હું લાલ, સુક્કી અને કઠણ ન થઈ ગઈ ત્યાં સુધી
કારણ આપવામાં આવ્યું
કે મને તૈયાર કરવામાં આવી રહી હતી
મારે એક દિવસ “મારા પોતાના” ઘરનો હિસ્સો બનવાનું હતું
એ ઘરના તડકા છાયા સહેવાની તાકાત તો મારામાં હોવી જોઈએને!
અને પછી એક દિવસ હું આવી
“મારા પોતાના” ઘરે
અને આ “મારા પોતાના” ઘરના લોકોને
તડકો, ઠંડી અને વરસાદથી બચાવવા માટે
હું જડાઈ ગઈ ક્યાંક
આ ઘરની દિવાલોમાં
ઘરના બધાનું જીવન સરળ બને એટલા માટે
મેં એક ખડતર જીવન જીવ્યાં કર્યું
અને આ “મારા પોતાના” ઘરમાં
ભાગ્યે જ કોઈને ખ્યાલ છે
કે મારું પોતાનું,એમનાથી અલગ
કોઈ અસ્તિત્વ છે, હોઈ શકે કે હોવું જોઈએ
એમની વાત જવા દો
આટલા વર્ષો પછી
મનેય પાકો ખ્યાલ નથી કે
મારું એમનાથી અલગ કોઈ અસ્તિત્વ છે કે નથી
બધાને એમ છે
કે આ રીતે જીવવું એ જ તો મારું કર્તવ્ય છે
આ જ તો છે આપણી
હજારો વર્ષોની પરંપરા
મને ઓળખી?
હું છું
આ દેશના લાખો ઘરોમાં જોવા મળતી
“પોતાના” ઘર માટે
એ જ ઘરની દિવાલોમાં ક્યાંક જીવંત ચણાઈ ગયેલી
એક ઈંટ
- હેમંત
30 comments June 26, 2008
ગુલામી હોય છે
મૂર્ખને મુક્તિ મળે, એ પણ નકામી હોય છે
એની આઝાદી તો ઈચ્છાની ગુલામી હોય છે
દૃશ્ય જે દેખાય છે, એવું જ છે, એવું નથી
આપણી દૃષ્ટિમાં પણ ક્યારેક ખામી હોય છે
આંખના કાંઠે તો બસ બે-ચાર બિન્દુ ઊભરે
મનના દરિયે જ્યારે એક આખી ત્સુનામી હોય છે
સૂર્ય શો હું, આથમીને, સત્ય એ સમજી શક્યો
માત્ર ઉગતા સૂર્યને સૌની સલામી હોય છે
નામ પાછળ જિંદગીભર દોડવું એળે જશે
આખરે જે જાય છે એ તો “ન-નામી” હોય છે
- હેમંત
છંદ-વિધાનઃ ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા
29 comments June 8, 2008
તમારે આંગણે આવે
તમે ઝંખો છો એ મૃગજળ તમારે આંગણે આવે
નવા રૂપે પુરાણું છળ તમારે આંગણે આવે
ગગનનું શ્વેત વાદળ રંગ અને ખુશબૂની ચાહતમાં
બનીને પુષ્પ પર ઝાકળ તમારે આંગણે આવે
રવિવારે સવારે ચા અને અખબાર સાથે લઈ
નિરાંતે બેસવાની પળ તમારે આંગણે આવે
સમજજો હું વ્યથાને શબ્દમાં મૂકી નથી શકતો
કદી જો કોરો એક કાગળ તમારે આંગણે આવે
બધાને ભાવભીનો આવકાર આપો, ખબર ક્યાં છે
કયા રૂપે હવે શામળ તમારે આંગણે આવે!
- હેમંત
છંદ-વિધાનઃ લગાગાગા લગાગાગા લગાગાગા લગાગાગા
33 comments May 1, 2008
ગુલાબી કાગળ ઉપર …
ગુલાબી કાગળ ઉપર દિલના ઘાવ લખવાના
નયન મળ્યાં ને બનેલો બનાવ લખવાના
કશે ન લાગતા મનનો લગાવ લખવાના
તમારો વધતો જતો દુષ્પ્રભાવ લખવાના
તમારી યાદનો જંગી જમાવ લખવાના
હૃદયમાં કાયમી એનો પડાવ લખવાના
તમારો ચહેરો જરી બદલે ભાવ, લખવાના
ને અટકળોની વધે આવજાવ, લખવાના
અમારી જિંદગી રેતાળ સાવ, લખવાના
તમારું હોવું, મીઠા જળની વાવ, લખવાના
તમારો ચહેરો નથી આસપાસમાં માટે
નયન કર્યા કરે છે ભીની રાવ, લખવાના
લખી લખીને અમે શું લખીશું માફીમાં?
દલીલ પાંગળી, લૂલો બચાવ લખવાના
છે અંતર આપણી વચ્ચે ભલેને દરિયાનું
અમે તો પત્રમાં કેવી છે નાવ લખવાના
-હેમંત
21 comments March 27, 2008
અડવા પણ નથી દેતી
નજીક આવે છે એ મારી ને અડવા પણ નથી દેતી
મને છંછેડીને પાછી ઝગડવા પણ નથી દેતી
કરી વાતો જુદાઈની મને રડમસ કરી મૂકશે
પછી ગમ્મત કરી કહે છે ને રડવા પણ નથી દેતી
હું એની છેડતી કરનાર પર ગુસ્સો કરું ત્યારે
એ ઝાલી બાવડું રોકે છે લડવા પણ નથી દેતી
જુદાઈની પળે જળ આંખના ખૂણે તો બાઝે છે
પણ એ આંસુ નયનમાંથી દદડવા પણ નથી દેતી
ધરી ધીરજ ઘણી તો પણ મને એ મારી ધીરજના
ફળો મીઠા નથી દેતી ને કડવા પણ નથી દેતી
કહે છે મિત્ર છો મારા તમે સૌથી કરીબી પણ
નથી એ પ્રેમમાં પડતી ને પડવા પણ નથી દેતી
- હેમંત
26 comments March 2, 2008
ભાસ ચાલે છે…
ભાસ ચાલે છે, રાસ ચાલે છે
કંઈક અજબ આસપાસ ચાલે છે
કાળના ગર્ભમાં આ ઘટનાઓ
ક્યાંથી પહોંચી, તપાસ ચાલે છે
જાત બાળુ છું જાતને જોવા
અંદર એનો ઉજાસ ચાલે છે
ક્યાં પકડમાં એ પાંચ આવે છે
એ જ અજ્ઞાતવાસ ચાલે છે
થોડો મેલો તો હું થવાનો છું
જ્યાં સુધી આ લિબાસ ચાલે છે
શૂન્યમાંથી બન્યો છું હું હેમંત
શૂન્ય બનવા પ્રયાસ ચાલે છે
- હેમંત
33 comments January 30, 2008
એક ને એક બે
ગોરા લોકો અમારા દેશમાં વેપાર કરવા આવ્યાં
અને રાજા બની બેઠાં
રાજા બન્યાં પછી એમણે બધાને શિક્ષણ આપ્યું
બધાને શિખવાડ્યું “એક ને એક બે”
આમ તો અમનેય આવડતું’તું થોડું ઘણું
પણ એમણે બધ્ધા…ને શિખવાડ્યું
“એક ને એક બે”
પછી “એક ને એક બે” ના જોર પર એમણે ઘણું બધું કર્યું
રેલવે લઈ આવ્યાં, સિનેમા લઈ આવ્યાં, રેડિયો લઈ આવ્યાં, યંત્રો લઈ આવ્યાં
બધું “એક ને એક બે” ના જોરે ચલાવ્યું
અને એ જોરનો એટલો બધો શોર કર્યો કે
અમે માની લીધું કે બસ આખી દુનિયા એટલે આટલું જ છે
“એક ને એક બે”
એ ગયાં, પણ અમારી આંખોને પૂર્ણપણે આંજીને ગયા
“એક ને એક બે”ની ઝાકઝમાળથી
“એક ને એક બે” નો ખેલ હજુ ચાલું જ છે
ટીવી, ફ્રીઝ, એસી, ગાડીઓ, વિમાનો, રોકેટો, અવકાશયાત્રા, કમ્પ્યુટર્સ, ઇન્ટરનેટ …
આજે અમને બસ એટલું જ યાદ છે, એટલું જ ખબર છે
“એક ને એક બે”
અને અમે ભૂલી ગયા છીએ
કે આંગળીના વેઢે થઈ શકતી આ ગણતરીથી ઊંડી
એક દુનિયા છે
એ ગણનારાની અંદરની દુનિયા
અમને ખબર જ નથી કે એવું કંઈક હોઈ શકે
કારણ કે અમે
અમારી સંસ્કૃતિ પર થયેલા બળાત્કારમાંથી પેદા થયેલી સંતાનો છીએ
કૃષ્ણ, બુદ્ધ અને મહાવીર પેદા કરનારી અમારી મા
અમને સાવ useless લાગે છે
અમને બસ એક જ વાત ગમે છે, સાચી લાગે છે
અમારા ગોરા બાપે અમારા મનમાં ઊંડે સુધી
ઘાલી-ઘુસાડી દીધેલો મંત્ર
“એક ને એક બે”
-હેમંત પુણેકર
17 comments January 3, 2008
ભૂલ કર
મયભરી મદમસ્ત આંખો છે, શરાબી ભૂલ કર
એના હોઠોને અડીને એક ગુલાબી ભૂલ કર
સરહદો પાંપણની તોડી, એ વસી ગઈ સ્વપ્નમાં
જો, પહેલ એણે કરી, તું બસ જવાબી ભૂલ કર
ભૂલ બુજદિલ આગિયા જેવી તો પકડાઈ જશે
જા, તું ખૂલ્લેઆમ જઈને આફતાબી ભૂલ કર
ચહેરો દેખાડી અરીસો રોજ રંજાડે તને
તું પણ એને છળ કદી, જા, એક નકાબી ભૂલ કર
ઉરમાં ઈચ્છાઓને જણતું એક ધબકતું યંત્ર છે
એના તાબે ના થવાની ઇન્કિલાબી ભૂલ કર
-હેમંત
24 comments November 18, 2007
કાબૂ રહ્યો છે ક્યાં…
કાબૂ રહ્યો છે ક્યાં હવે દિલના સુકાન પર
આવી ચડે છે નામ એ મારી જબાન પર
સ્મિત આપી, ફોસલાવીને, ગેબી વિમાન પર
લઈ જાય છે એ આંખોને સ્વપ્નિલ ઉડાન પર
મહેમાન થઈને મહાલે છે શમણામાં ટેસથી
એને ખબર શું વીતે છે આ મેજબાન પર
શરબતમાં પીવડાવું ને એ પ્રેમમાં પડે
ભૂકી મળે છે એવી ક્યાં કોઈ દુકાન પર
રસ્તો કયો મેં લીધો હવે શું ફરક પડે
રસ્તા બધા જ જાય છે એના મકાન પર
પાગલ થવાનું પરવડ્યું હેમંત પ્રેમમાં
શાણા બધા લડે છે, જો ગીતા કુરાન પર
-હેમંત
31 comments October 23, 2007