હાઈકુ – વ્યાપક ગેરસમજણનો ભોગ બનેલો એક ચિત્રાત્મક/દૃશ્યાત્મક કાવ્યપ્રકાર

શાળામાં પહેલીવાર હાઈકુ કાવ્યપ્રકાર સાથે થયેલો પરિચય અતિસુખદાયી હતો. પાંચ-સાત-પાંચ અક્ષરોનું બંધન પાળો એટલે થઈ ગઈ કવિતા. પ્રાસનો ત્રાસ નહીં. છંદનો ફંદ નહીં. બસ ૫-૭-૫. કવિ થવા માટે થનગનતા જીવને આથી વધુ શું જોઈએ. એ કાળમાં ઘણાં હાઈકુ ઘસડી કાઢ્યાં હતાં પણ (મારાં અને તમારાં સદભાગ્યે) કાળનો પ્રવાહ એ ખજાનાને પોતાની સાથે ઘસડી ગયો. વર્ગમાં કોઈકે લખેલું કે ક્યાંકથી સાંભળવા મળેલું એક હાઈકુ આજેય યાદ છે.

પવન વાયો
ચૂંદડી ઊડી ગઈ
માથે ટકલુ!
– અજ્ઞાત

ગુજરાતી બ્લૉગજગત અને પછી ફેસબુક પર વિચરતા મારાં ધ્યાનમાં આવ્યું કે હું મુગ્ધવયે જે ગેરસમજથી પીડાતો હતો એનાથી ઘણા લોકો પુખ્તવયે પણ પીડાય છે! કોઈ રચના હાઈકુ બને એ માટે ૫-૭-૫ અક્ષરોના સ્વરૂપમાં લખવું અનિવાર્ય તો છે પણ પર્યાપ્ત નથી. તો શું ખૂટે છે એમાં? એનો જવાબ છે – “ચિત્રાત્મકતા/દૃશ્યાત્મકતા”. હાઈકુના સત્તર અક્ષરોનું કામ છે કે તેઓ એક દૃશ્ય ઊભું કરી આપે અને એના થકી કાવ્ય સિધ્ધ થાય. સ્નેહરશ્મિનાં આ હાઈકુ જુઓઃ

છાપરું ચુવે,
ભીંજે ખોળામાં બાળ
માનાં આંસુથી.

ઝાપટું વર્ષી
શમ્યું, વેરાયો ચંદ્ર
ભીના ઘાસમાં.

૫-૭-૫ના સ્વરૂપમાં ભાવ કે વિચાર મૂકવાથી હાઈકુ સિધ્ધ થતું નથી. ગઝલ જેવા વાર્તાલાપ પ્રધાન કાવ્યપ્રકારના અતિરેકના પરિણામે વાતચીત લાગે એવા હાઈકુ પણ જોવા મળે છે, જે કોઈ ચિત્ર ઊભું કરતાં નથી અથવા કરે તોય એ ચિત્રો બહુ સ્પષ્ટ હોતાં નથી. ફેસબુક પર આવા અ-હાઈકુઓ અનરાધાર વરસે છે તો બીજી બાજુએ બાળકોએ ફક્ત ગમ્મત ખાતર બનાવેલું (હાસ્ય?)હાઈકુ ચિત્રાત્મકતાની કસોટીએ પાસ થાય છે!

હાઈકુ ઉપર એક સુંદર લેખમાળા શ્રી જુગલકિશોર વ્યાસે લખી હતી. એની લિન્ક આ છે. હાઈકુ લખવાના અખતરા કરતા પહેલા એક વાર એ વાંચવા જેવી તો છે જ. આ લેખની પૂર્ણાહુતિ કરતા પહેલા થોડાક સુંદર હાઈકુ માણીએ.

બળ્યો ઝળ્યો હું
આવ્યો ઘરે, માંડવે
મધુમાલતી
– મુરલી ઠાકુર

મોટર ચાલી
હવા ગૂંગળાવતી
ગાડા પરથી
-વિવેક મનહર ટેલર

થાકી હરણ
બેઠું ખજૂરી તળે,
પીવા છાયડો
– પ્રીતમ લખલાણી

– હેમંત પુણેકર

Advertisements
This entry was posted in પ્રકીર્ણ and tagged . Bookmark the permalink.

5 Responses to હાઈકુ – વ્યાપક ગેરસમજણનો ભોગ બનેલો એક ચિત્રાત્મક/દૃશ્યાત્મક કાવ્યપ્રકાર

 1. Daxesh Contractor કહે છે:

  સરસ વાત…
  એક હાઈકુ જે મેંય શાળાના વરસોમાં વાંચેલું અને મગજમાં અંકિત થઈ ગયેલું તે યાદ આવ્યું ..રચનાકાર કોણ હતું તે મને યાદ નથી.
  *
  બાંધે ચકલી,
  ચાડિયાના છોગામાં,
  માળો રૂપાળો.

 2. તમે વિચાર માંગી લે એવી વાત કરી છે. .

 3. jugalkishor કહે છે:

  લાઘવ એ કાવ્યનું અનિવાર્ય અંગ છે. જુના જમાનામાં આખ્યાનો હતાં. તેનીય પહેલાં મહાકાવ્યો હતાં. પણ એ સમયમાં ગદ્ય ખેડાયું નહોતું. પદ્ય જ એક માર્ગ વ્યક્ત થવા માટેનો હતો….વળી છાપખાનાં પણ ન હોવાથી કંઠસ્થ કરી શકાય તે માટે પ્રાસયુક્ત પદ્ય જ માત્ર માર્ગ હતો, સર્જનોના પ્રસાર માટે…..

  હવે કાવ્યોનાં અનેક સ્વરૂપો હાથવગાં થવાથી ગદ્યની તુલનાએ લાઘવ પણ કાવ્યનું મહત્ત્વનું અંગ બની રહ્યું છે. ઊર્મિકાવ્યો – પછી તે ભજનરૂપે કેમ ન હોય, લાઘવત્વથી એ ભાવને/વિચારને ઘનતા આપે છે. ગઝલમાં તો એક એક શેર એક એક કાવ્ય હોય છે ! ત્યારે લાઘવનો મહિમા તો જેટલો કરીએ તેટલો ઓછો.

  ઊત્તમ સર્જકોને વહેવા માટે શબ્દો કે પદાવલિઓનાં બંધનો નડતાં નથી. પૃથ્વી જેવા અઘરા છંદો પણ તેઓને બાધક બનતા નથી. આટલું છતાં ભારતીય કાવ્યશાસ્ત્રોએ જેને સર્જકબ્રહ્મ કહ્યો છે તે તો અવનવા પ્રયત્ને કરીને વહેતો જ રહ્યો છે ને એટલે જ હાઈકુ જેવા અતિ સંક્ષિપ્ત ને સંકુલ સ્વરૂપને સર્જીને જ ઝંપે છે.

  આ હાઈકુ સત્તર અક્ષરોમાં એક તાદૃષ્ય ચિત્ર ખડું કરે છે ને જે કહેવાનું છે તેને જ છુપાવી રાખે છે !! બોલકાં હાઈકુઓ, હેમંતભાઈએ લખ્યું છે તેમ ઢગલા મોઢે પ્રગટતાં હોય છે. પરંતુ ઊત્તમ હાઈકુમાં એક ચિત્ર ને ક્યારેક તો ત્રણ પંક્તીઓમાં ત્રણ ત્રણ ચિત્રો આપીને કવિ કોઈક જુદી જ વાત કહી દે છે ! ક્યારેક તો આપણે વાચક તરીકે કવિએ બતાવેલા ચિત્રમાં જ અટકી કે અટવાઈ જઈએ છીએ ને સંદેશો એક બાજુ રહી જાય તેટલું અઘરું આ હાઈકુને ઉકેલવાનું હોય છે. નાળિયેરના અમૃત શા મીઠા જળને પામવા માટે એનાં છોડિયાં અને કઠોર કાચલીને ભેદવી પડે છે !!

  હાઈકુ એક એવું ચિત્ર આપે છે જેને ઉકેલતાં ઉકેલતાં તેની ભીતરમાં ભરેલા અનેકાનેક અર્થો વાચક પામે છે.

 4. dhufari કહે છે:

  ભાઇશ્રી હેમંત
  હાઇકૂ નો પ્રકાર તો મને ગમે છે પણ એ લખવા પહેલા તેનું શબ્દ ચિત્ર તમારી સામે હોવું જોઇએ જે ખુબ વિચાર માંગી લે છે મારું એક પ્રથમ હાઇકૂ
  સભા ભરાણી
  ઉપર કાગડાની
  નીચે નેતાની

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s