અન્યત્ર પ્રકાશિત બે ગઝલો

કંઈ નથી, જ્યાં સુધી કોઈ જોતું નથી
એક દર્શક વગર દૃશ્ય બનતું નથી

એટલે આંખની આંખમાં રહી ગઈ
ખારા જળની નદી, કોઈ લોતું નથી

એકબીજાના સહારે ટક્યા આપણે
હું સમુ કંઈ નથી, જો કોઈ તું નથી

સ્વપ્નની રાખ સાથે વહી જાય છે
અશ્રુ કારણ વગર ખારું હોતું નથી

એક ડૂસકું દબાવ્યું મેં એ કારણે
અહીંયા કારણ વગર કોઈ રોતું નથી

ખૂબ શોધો છતાં શક્ય છે ના જડે
જે બધે હોય છે, ક્યાંય હોતું નથી

– હેમંત પુણેકર

છંદઃ ગાલગા ગાલગા ગાલગા ગાલગા

આ ગઝલ લયસ્તરો પર પ્રકાશિત થઈ હતી.

————————
બંધિયાર જગા છે, જરી વિસ્તાર કરી દે
મારી આ દીવાલોથી મને પાર કરી દે*

આંખો મળી, એ તો થયો નાનકડો અકસ્માત
એક સ્મિતથી એને વધુ ગમખ્વાર કરી દે

એ રીતે ઘણા દાબે છે ભીતરના તમસને
બસ બહારથી પોતાને ચમકદાર કરી દે

અવઢવમાં હું આવી તો ગયો ઊંબરે તારા
બોલાવી લે અંદર કે હવે બહાર કરી દે

– હેમંત પુણેકર

છંદઃ ગા ગાલલગા ગાલલગા ગાલલગા ગા

* ગૌરાંગ ઠાકરની પંક્તિ

આ ગઝલ ઊર્મિસાગર.કૉમ પર પ્રકાશિત થઈ હતી.

Advertisements
This entry was posted in ગઝલ. Bookmark the permalink.

6 Responses to અન્યત્ર પ્રકાશિત બે ગઝલો

 1. વિવેક કહે છે:

  બંને ગઝલો સુંદર… મારી ગમતી…

 2. devikadhruva કહે છે:

  હંમેશની જેમ સાદ્યંત સુંદર ગઝલ..બંને.

 3. સરસ ગઝલો…હેમંતભાઇ,
  પ્રથમ ગઝલનો શેર –
  એક ડૂસકું દબાવ્યું મેં એ કારણે
  અહીંયા કારણ વગર કોઈ રોતું નથી
  અને
  બીજી ગઝલનો શેર-
  એ રીતે ઘણા દાબે છે ભીતરના તમસને
  બસ બહારથી પોતાને ચમકદાર કરી દે
  બહુજ સુંદર અને અર્થસૂચક રહ્યાં – અભિનંદન.

 4. Daxesh Contractor કહે છે:

  બંને ગઝલ સરસ .. પણ વિશેષતઃ બીજી ગઝલ માટે દુબારા, બધા જ શેર ક્યા બાત.

 5. એક મોડી સાંજે બાઈક પર ક્યાંક જતો હતો. સહેજ અંધારુ થઈ ગયું હતું. રસ્તા પર સ્ટ્રીટલાઈટ્સની પીળી રોશની ફેલાઈ રહી હતી. એવામાં મારું ધ્યાન ગયું કે મારી આગળ જનારી બાઈક પર પાછળની સીટ પર એક છોકરી બેઠી હતી. એને એવો અણસાર આવી ગયો હતો કે મેં એને જોઈ છે. એ બાઈક યુ ટર્ન લેવા માટે રોકાઈ અને એ છોકરીએ મારી તરફ નજર કરી. આંખો મળી. મોટેભાગે આ દૃષ્ટિનો સેતુ બહુ તક્લાદી હોય છે. સ્ત્રી સહજ લજ્જા કે પુરુષસહજ સ્ત્રી દાક્ષિણ્ય કે બન્ને મળીને એને ક્ષણાર્ધમાં તોડી નાખતા હોય છે. પણ આ કિસ્સામાં એવું થયું નહી. શું હતું એ આંખોમાં? પ્રશ્ન? કુતૂહલ? હું નક્કી ન કરી શક્યો. ગમે તે હોય પણ એક વાત નક્કી – એમાં અસ્વીકાર નહોતો. પાંચેક સેકન્ડ્સ માટે એની મોટીમોટી આંખોમાં મારું આખું અસ્તિત્વ ઝબોળાઈ ગયું. અને પછી એ લોકો વળી ગયા. હું મારા સીધા રસ્તે જતો રહ્યો. પણ મને એમ લાગ્યું કે જતાં જતાં એણે એક સ્મિત આપી દીધું હોત તો સોનામાં સુગંધ ભળ્યાની મજા આવત. આ અનુભવમાંથી મળ્યો આ શેરઃ

  આંખો મળી, એ તો થયો નાનકડો અકસ્માત
  એક સ્મિતથી એને વધુ ગમખ્વાર કરી દે

  જીવન એ કંઈ વર્ષોમાં જીવાતી ચીજ નથી. ક્યારેક આવી બે ચાર ક્ષણોમાં માણસ ચિક્કાર જીવી લેતો હોય છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s