માણસોની વસતિ

ઢળતી સાંજે હું એક વસતિમાં જઇ બેઠો

તેર-ચૌદની એક બાળા
આંખોમાં આંખો પરોવી રખાવતી
એની બાળસહજ નિર્દોષતા
અને આ દૃષ્ટિસેતુને તોડતી
તેની છાતી પર ઉભરતા સ્તનોની સાથેસાથે
આંખમાં ઉમેરાયેલી તાજી શરમ

બહુ સુંદર ન હોવા છતાંપણ
હંમેશની માફક આજના દિવસની રાણી લાગતી કોઇ નવોઢા

યુવાન સ્ત્રીના દેહલાલિત્યને જોઇ લાળ ટપકાવતા પુરુષો
અને કિકિયારીઓ સાથે દોડીને માને સતાવી રહેલા બાળકને જોઇ
તે બાળક જેટલા જ નિર્દોષ વદને હસી પડતા
એ જ પુરુષો

જિંદગીની બેકસી અને બેબસી
જેમની ભાષામાં ગાળો બનીને છલકાતી હોય એવાં
ગાડાની ઓથે પોતાની જિંદગી ખેંચતા મજૂરો
અને બીડીના એક જ કશમાં
આખી જિંદગી ફૂંકી મારવાની
એમની એજ કશિશ અને કોશિશ

કેટલીક જગ્યાએ
સુવાક્યોના વાઘા પહેરીને બેસેલાં
હેબતાઈ ગયેલા પાટિયાં

કાપડ ખરીદતી મહિલાઓ અને વેપારી વચ્ચે થતી
ભાવની એ જ રકઝક

મોઢાનાં દરવાજા પર
મૌનનું તાળુ લટકાવીને ફરતાં
અનેક પ્રશ્નાર્થો સર્જતાં એ ચહેરા

જિંદગી શુ છે એ જાણ્યા વગર
જિંદગી જીવવાના ગોખેલા
સિધ્ધાંતો સમજાવતો કોઇક વક્તા
અને તેને સાંભળીને
હજારો કિલોનું પુણ્ય ભેગુ કરી લીધાનાં ભ્રમમાં રાચતાં
શ્રોતાઓના મંત્રમુગ્ધ ચહેરા

રેડિયો પર વાગતુ સુંદર ગીત
અને
ગ્રાહકોની માંગણી મુજબ ચુપચાપ વસ્તુઓ આપતો
યંત્રવત પાનવાળો

આ બધુ જાણીતુ છે, ઓળખીતુ છે,
મેં જોયું છે

કોણ કહે છે હું મુસલમાનોની વસતિમાં છુ?
બંધ કરો આ હિંદુ-મુસલમાન
ઉખાડી નાખો આ ધર્મના લેબલો

હું માત્ર અને માત્ર
માણસોની વસતિમાં છું

-હેમંત

Advertisements
This entry was posted in અછાંદસ. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s