એક ને એક બે

January 3, 2008 at 3:02 pm | In અછાંદસ | 17 Comments

ગોરા લોકો અમારા દેશમાં વેપાર કરવા આવ્યાં
અને રાજા બની બેઠાં

રાજા બન્યાં પછી એમણે બધાને શિક્ષણ આપ્યું
બધાને શિખવાડ્યું “એક ને એક બે”

આમ તો અમનેય આવડતું’તું થોડું ઘણું
પણ એમણે બધ્ધા…ને શિખવાડ્યું
“એક ને એક બે”

પછી “એક ને એક બે” ના જોર પર એમણે ઘણું બધું કર્યું
રેલવે લઈ આવ્યાં, સિનેમા લઈ આવ્યાં, રેડિયો લઈ આવ્યાં, યંત્રો લઈ આવ્યાં
બધું “એક ને એક બે” ના જોરે ચલાવ્યું

અને એ જોરનો એટલો બધો શોર કર્યો કે
અમે માની લીધું કે બસ આખી દુનિયા એટલે આટલું જ છે
“એક ને એક બે”

એ ગયાં, પણ અમારી આંખોને પૂર્ણપણે આંજીને ગયા
“એક ને એક બે”ની ઝાકઝમાળથી

“એક ને એક બે” નો ખેલ હજુ ચાલું જ છે
ટીવી, ફ્રીઝ, એસી, ગાડીઓ, વિમાનો, રોકેટો, અવકાશયાત્રા, કમ્પ્યુટર્સ, ઇન્ટરનેટ …

આજે અમને બસ એટલું જ યાદ છે, એટલું જ ખબર છે
“એક ને એક બે”
અને અમે ભૂલી ગયા છીએ
કે આંગળીના વેઢે થઈ શકતી આ ગણતરીથી ઊંડી
એક દુનિયા છે
એ ગણનારાની અંદરની દુનિયા
અમને ખબર જ નથી કે એવું કંઈક હોઈ શકે

કારણ કે અમે
અમારી સંસ્કૃતિ પર થયેલા બળાત્કારમાંથી પેદા થયેલી સંતાનો છીએ
કૃષ્ણ, બુદ્ધ અને મહાવીર પેદા કરનારી અમારી મા
અમને સાવ useless લાગે છે

અમને બસ એક જ વાત ગમે છે, સાચી લાગે છે
અમારા ગોરા બાપે અમારા મનમાં ઊંડે સુધી
ઘાલી-ઘુસાડી દીધેલો મંત્ર
“એક ને એક બે”

-હેમંત પુણેકર

ભૂલ કર

November 18, 2007 at 3:38 pm | In ગઝલ | 24 Comments

મયભરી મદમસ્ત આંખો છે, શરાબી ભૂલ કર
એના હોઠોને અડીને એક ગુલાબી ભૂલ કર

સરહદો પાંપણની તોડી, એ વસી ગઈ સ્વપ્નમાં
જો, પહેલ એણે કરી, તું બસ જવાબી ભૂલ કર

ભૂલ બુજદિલ આગિયા જેવી તો પકડાઈ જશે
જા, તું ખૂલ્લેઆમ જઈને આફતાબી ભૂલ કર

ચહેરો દેખાડી અરીસો રોજ રંજાડે તને
તું પણ એને છળ કદી, જા, એક નકાબી ભૂલ કર

ઉરમાં ઈચ્છાઓને જણતું એક ધબકતું યંત્ર છે
એના તાબે ના થવાની ઇન્કિલાબી ભૂલ કર

-હેમંત

કાબૂ રહ્યો છે ક્યાં…

October 23, 2007 at 7:50 pm | In ગઝલ | 31 Comments

કાબૂ રહ્યો છે ક્યાં હવે દિલના સુકાન પર
આવી ચડે છે નામ એ મારી જબાન પર
 
સ્મિત આપી, ફોસલાવીને, ગેબી વિમાન પર
લઈ જાય છે એ આંખોને સ્વપ્નિલ ઉડાન પર
 
મહેમાન થઈને મહાલે છે શમણામાં ટેસથી
એને ખબર શું વીતે છે આ મેજબાન પર
 
શરબતમાં પીવડાવું ને એ પ્રેમમાં પડે
ભૂકી મળે છે એવી ક્યાં કોઈ દુકાન પર
 
રસ્તો કયો મેં લીધો હવે શું ફરક પડે
રસ્તા બધા જ જાય છે એના મકાન પર
 
પાગલ થવાનું પરવડ્યું હેમંત પ્રેમમાં
શાણા બધા લડે છે, જો ગીતા કુરાન પર

-હેમંત

ગાફેલ નથી

September 25, 2007 at 10:10 pm | In ગઝલ | 19 Comments

જે અહીં ચાલે છે એ સમજુ છું ગાફેલ નથી
બસ એ બદલી શકું હું એટલો કાબેલ નથી

મારા પર મારા કતલનો કર્યો આરોપ તમે
કેમ સાબિત કરું કે એમાં હું સામેલ નથી

છીંડે ચડવામાં હું પકડાઈ ગયો છું બાકી
ચોર શું આપના મનમાંય છુપાયેલ નથી

કેવો અળખામણો થઈ જાય છે સીધો માણસ
સાચુ બોલે છે જમાનાનો એ ખાધેલ નથી

વ્યાપ મારો મને જોવા નથી દેતો બાકી
એવું ક્યાં છે કશું કે જેમાં એ વ્યાપેલ નથી

-હેમંત

વ્યાપાર ચલાવો છો તમે

September 4, 2007 at 1:56 am | In ગઝલ | 21 Comments

મન ભલેને રહે બીમાર, ચલાવો છો તમે
ને સતત દેહના શણગાર ચલાવો છો તમે

અમને આપીને કસમ ધાર્યું કરાવી લો છો
પ્રેમની આડમાં વ્યાપાર ચલાવો છો તમે

સામી છાતીએ કદી એની ચમક દેખાડો
પીઠ પાછળથી શું તલવાર ચલાવો છો તમે

એ નિરાકાર છે એ વાત વિસારે પાડી
એના નામે ઘણા આકાર ચલાવો છો તમે

એ શું આધાર હવે કોઈને આપી શકશે
ટેકા લઈ-લઈને જે સરકાર ચલાવો છો તમે

-હેમંત

સંબંધ રાખીશું

August 12, 2007 at 11:08 pm | In ગઝલ | 24 Comments

છૂપાવીને તમારી યાદનો મકરંદ રાખીશું
હૃદયના પુષ્પમાં એને સદા અકબંધ રાખીશું

જુદાઈ આપની અમને પળેપળ બાળશે ત્યારે
મિલન સ્વપ્નો મહીં માણી અગનને મંદ રાખીશું

તમારું મુખ નિરખવામાં ઉઘાડી રહી જતી આંખો
હવેથી એ છબી જોવા નયનને બંધ રાખીશું

કિતાબોમાં સુકાયેલા ફૂલો પર હાથ ફેરવતા
સ્મરણને પણ સહજ પંપાળવાનો છંદ રાખીશું

મળી જઈશું જો રાહોમાં તો આંખોથી અડી લઈશું
અછડતી છેડતીનો એટલો સંબંધ રાખીશું

-હેમંત

થોડાક શબ્દાર્થઃ

મકરંદ -> ફૂલનો પરાગ રસ
છંદ -> શોખ

રાત ઉજવાઈ ગઈ

July 13, 2007 at 10:51 pm | In ગઝલ | 17 Comments

દર્દમાં જળની પણ રાહ ફંટાઈ ગઈ
મન સળગતું રહ્યું, આંખ ભીંજાઈ ગઈ

છાતીમાં ડાબે પથ્થર જડ્યા જોઈને
ઈંટની આ દિવાલોય ડઘવાઈ ગઈ

પત્ની વહુ માના પાત્રોમાં પીસાઈને
એક સ્ત્રીની હયાતી જ ખરડાઈ ગઈ

વાત એની હતી મારી વાતોમાં પણ
એ મળી, કે તરત વાત બદલાઈ ગઈ

એ મળી સ્વપ્નમાં બસ ઘડીભર અને
ઉત્સવી ઠાઠમાં રાત ઉજવાઈ ગઈ

- હેમંત

ખોવાઇ જાશું

June 26, 2007 at 10:03 pm | In ગઝલ | 21 Comments

અમે જાત સાથે જ જોડાઇ જાશું
બની શૂન્ય સર્વત્ર ફેલાઇ જાશું

ફરે દસ દિશાઓ દિશાહીન થઇને
અમે કેન્દ્રમાં એમ સંતાઇ જાશું

મળે શેર અમને જરી બોલકો, જો
અમે મૌન કરવતથી વ્હેરાઇ જાશું

અમે આશ ના તાંતણે શ્વાસ ગૂંથ્યાં
જો તૂટે એ તંતુ તો ગુંગળાઇ જાશું

પછી શોધ જેવું ન બચશે કશું પણ
તને શોધવામાં જો ખોવાઇ જાશું

તને શોધવામાં જો ખોવાઇ જાશું
અમે જાત સાથે જ જોડાઇ જાશું

-હેમંત

લૂટ

June 12, 2007 at 10:50 pm | In અછાંદસ | 18 Comments

ઝાકળને ઝુલ્ફોમાંથી દૂર કરવાના બહાને
ઊભી હોય બારીએ તું
અને પવનની ઠંડી તોફાની લહેરખી બનીને
તને અડી લઉં!

રોમાંચિત હોય તું
અને તારા રોમછીદ્રો વાટે પ્રવેશું તારા મનમાં
વિચારોનું વાવાઝોડું બનીને,

તને તારાથી લૂટીને લઈ આવું
અને તારા ખાલીપામાં
ભરી દઉં મારી જાતને!

- હેમંત

એ શું હતું

May 20, 2007 at 10:31 pm | In ગઝલ | 23 Comments

શબ્દમાં રણક્યાં કર્યું એ શું હતું
કાળજે સણક્યાં કર્યું એ શું હતું

અળગું કરવાની કસમ લેવા છતાં
મનને જે વળગ્યા કર્યું એ શું હતું

ઠારવાને જલ નહીં લોહી વહ્યું
તોય જે સળગ્યા કર્યું એ શું હતું

વિશ્વ જીતીને લઈ આવ્યા તમે
તોય મન ઝંખ્યા કર્યું એ શું હતું

સુખની સુંવાળી નરમ ચાદર મહીં
શૂળ શું ડંખ્યા કર્યું એ શું હતું

-હેમંત

કાચની આરપાર

May 20, 2007 at 10:30 pm | In ગઝલ | 16 Comments

કાચની શું આર છે ને કાચની શું પાર છે
છેતરે છે આંખને પ્રતિબિંબની વણજાર છે

લાખ આયાસો છતાં આ આંખ ઊઘડતી નથી
પાંપણોમાં પાંગરેલો સ્વપ્નનો આજાર છે

જ્યાં સુધી તૂટ્યો નથી એ ખૂબ લીસ્સો લાગશે
પણ સુંવાળા સ્પર્શ ઓથે ગુપ્ત કાતિલ ધાર છે

બિંબમાં પ્રતિબિંબમાં છે, સત્ય શું? આભાસ શું?
કાચની છો કઇ તરફ એના ઉપર આધાર છે

જિંદગીભરની કમાણી આ રહી હેમંત જો
ચંદ આ અશઆર છે ને કાચનો ભંગાર છે

-હેમંત

થોડાંક શબ્દાર્થઃ

આયાસઃ પ્રયત્ન, આજારઃ બીમારી
અક્સઃ પ્રતિબિંબ, અશઆરઃ શેરનું બહુવચન

ઓળખું છું

May 20, 2007 at 10:29 pm | In ગઝલ | 22 Comments

ઈજન આપતા એ નયન ઓળખું છું
અજાણ્યા વદનમાં સ્વજન ઓળખું છું

મળે છે ખબર નાકના ટેરવે સૌ
હું શ્વાસોનું આવાગમન ઓળખું છું

સુગંધી ખબર કઇ પવન આજ લાવ્યો
થયું કઇ કળીનું સુમન ઓળખું છું

વિચારો વડે ઘા કરો ના સજનવા
હું મારા જ મનનું મનન ઓળખું છું

કરું લેપ તડકા વડે દાહ ઊપર
હું જલમાં રહેલી જલન ઓળખું છું

સમયની રમતથી છક્યો ના કદીપણ
હું પત ઓળખું છું પતન ઓળખું છું

ભલેને કરે કામ કાળ બધા એ
હશે શ્વેત એનું કફન ઓળખું છું

મરણ બાદ મારી કબર પર હસ્યો હું
થયું કોણ એમાં દફન ઓળખું છું

-હેમંત

હવે એનો સહારો છે

May 20, 2007 at 10:28 pm | In ગઝલ | 12 Comments

ન આવો જાતને લઇને અહીં એનો ઇજારો છે
ફરકતા પાંદડામાં પણ જુઓ એનો ઇશારો છે

અમે ખાધું પચાવે છે,અમે ઊંઘ્યાં જગાડે છે
અમોને પ્રેમ કરવાના અલગ એના પ્રકારો છે

અમે જોયા વગર એને કર્યો છે પ્રેમ,બાકી આ
જગતમાં ચામડીને પ્રેમ કરનારા ચમારો છે

ફકીરીની ખુમારી છે ફિકર મટતી બીમારી છે
ધખાવી પ્રેમની ધૂણી બધો એનો ધખારો છે

નથી ગ્રંથો નથી પંથો બધું છોડી અમે ચાલ્યા
હૃદયમાં રામ બેઠો છે હવે એનો સહારો છે

-હેમંત

શ્વાસ

May 20, 2007 at 10:25 pm | In મુક્તક | 11 Comments

મખમલી સ્વપ્નિલ ઘડીમાં ના થવાનું થાય તો
ને અચાનક પ્રાણ અંદરની તરફ અમળાય તો
કરચલી તન પર નહીં ને શ્વાસ પર દેખાય તો
શ્વાસને ઈસ્ત્રી કરી મેં સાચવી રાખ્યાં હતાં
ક્યાંક અણધાર્યા પ્રસંગે જો જવાનું થાય તો

-હેમંત

રાતનો આખરી પ્રહર

May 20, 2007 at 10:24 pm | In ગઝલ | 12 Comments

હજી તો પ્રહર રાતનો આખરી છે
બદનમાં જરી થાકની હાજરી છે

નથી ચૈન મનને ન આરામ તનને
નયનમાં પડેલી સપન કાંકરી છે

ઉષાનો તું રંગીન રસથાળ ઢોળી
ખતમકર તિમિરમય નિશા આકરી છે

નજરકર જરા આ કળીના બદનપર
અમે શબનમી જાજમો પાથરી છે

બળી કોણ જાતે જગતને જગાડે
તમસહર થવાની રસમ આકરી છે

ભલે રાત ટકવા કરે ધમપછાડા
તું આવીશ એની મને ખાતરી છે

-હેમંત

« Previous PageNext Page »

Blog at WordPress.com. | Theme: Pool by Borja Fernandez.
Entries and comments feeds.